શબ્દવેધી ડસ્ટર

ધડામ’ કરતું છૂટું ડસ્ટર વર્ગખંડના દરવાજા પર વાગ્યું. કોપાયમાન થયેલા માસ્તરનું નિશાન ચૂક્યું હતું અને વર્ગખંડમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. કેમ કે સાહેબ પોતાના ડસ્ટરને ‘શબ્દવેધી ડસ્ટર’ કહેતા. બધાને ખબર કે સાહેબનું ડસ્ટર આજ દિન સુધી કયારેય નિશાન પર વાગ્યું નહીં. વાલજી સાહેબને શિક્ષણ કારકિર્દીનો ૩૦ વર્ષનો અનુભવ હતો.(ડસ્ટર ફેંકવાનો પણ). પણ એ ઘા મારવા માટે નહીં પણ ડરાવવા માટે રહેતો. 

પણ ડરે એ ધ્રુવિન નહીં,  ધ્રુવિન છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો. અભ્યાસ કરતો એ શબ્દ થોડો યોગ્ય ન કહેવાય કેમ કે શાળાએ પાંચ કલાક રહે એટલે ઘરે પાંચ કલાક શાંતિ. ધ્રુવિન શાળાએ સચવાય છે એવી જ લાગણી તેના ઘરે રહેતી. જ્યારે બાકીના સમયમાં પડોશીના ઘરની બારીના કાચ અને જમનબાપાની વાડીના આંબે પાકેલી કેરીનું આવી બનતું.

વાલજી માસ્તર પાસે ફરિયાદ આવી કે ” ધ્રુવિને મને માર્યું”. હવે કાર્યવાહી તો કરવી પડે, કાર્યવાહી તો કરીએ પણ આરોપી હાથમાં તો આવવો જોઈએ ને! ધ્રુવિન ખૂબ ઝડપથી દોડીને ભાગી જતો જોઈ વાલજી સાહેબે ડસ્ટરને શસ્ત્ર તરીકે નહીં પરંતુ અસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો. પણ જેલમાંથી કેદી ભાગે એ રીતે ધ્રુવિન શાળામાંથી પલાયન થયો .

સાંજ પડતાં સાહેબ ગામમાં લટાર મારવા નીકળ્યા ત્યાં પાદરે સરપંચનો ભેટો થયો .સરપંચે ઉષ્માભેર વાલજી સાહેબનું સ્વાગત કર્યું. બાજુમાં ઉભેલા બે જુવાનિયા સાહેબને જોઈને ઉભા થઈ ગયા.

“સરપંચ સાહેબ શું ખવડાવો છો રોજ ધ્રુવિન ને” ? 

“કેમ હવે શું કર્યું મારા દીકરાએ” ?, સરપંચ બોલ્યા. 

“શું નથી કર્યું એ કહેવું સહેલું પડશે, રોજ એક બે છોકરાને મારે છે. તમે જાણો છોકે એ ગણિતના દાખલા ખૂબ સરસ ગણે છે. હોંશિયાર છે પણ આ દાદાગીરી અને ભાગા-ભાગી કેમ રોકવી” ?

” હા, તો સાહેબ સરપંચનો છોકરો થોડો માર ખાઇને આવે ?ભવિષ્યમાં એજ ગામનો સરપંચ બનવાનો છે.” સરપંચએ તડ ને ફડ જવાબ આપ્યો. 

વાલજી સાહેબને તો દિવાલમાં માથું અફડાંવ્યા લાગણી આવી. સાહેબે પોતાનો રસ્તો પકડ્યો .

થોડા દિવસ વિત્યા હશે ત્યાં ફરી પાછી ધ્રુવિનની રાવ આવી .જોકે આ રાવ શાળાએ નહીં પરંતુ ઘરે આવી હતી. ધ્રુવિન અને તેની ટોળીએ કેરી તોડવા માટે ફેંકેલા પથ્થરે વાડીમાલિકનું માથું ફોડ્યું હતું. વડીલોની સમજાવટ અને પિતાના સરપંચના હોદ્દાને લીધે મામલો ટૂંકમાં પત્યો.

ધ્રુવિન સ્ફૂર્તિથી ભરેલો હતો, આમ તો હોંશિયાર પણ હુંશિયાર વધારે. વાલજી માસ્તરે તેને સમજાવવા માટે તેની માતાનો સંપર્ક સાધવાની કોશિશ કરી. એ દિવસે તેમણે ધ્રુવિનના માતાને શાળાએ બોલાવ્યાં. તેઓ પોતે તો અભણ હતા પરંતુ પુત્રને ભણાવવા તથા તેને આગળ લાવવા માટે ઘણી મહેનત કરતા હતા. વાલજી સાહેબની વાતો તેમણે ખૂબ જ ધ્યાનથી સાંભળી પરંતુ ચર્ચાને અંતે તેઓ એટલું જ બોલ્યા .,

“પણ સાહેબ શું કરવું છોકરો માનવો તો જોઈએ ને”!!!!!! 

“બહેન, એ કહશો કે એ કોનું માને છે?, કોઈ તો હશે ને કે જેની સામે ડાયો રહેતો હોય.” સાહેબે ધોરી નસ શોધવાનો પ્રયત્ન કર્યો .

” હા, એમ તો એ પોતાના મામાનું ઘણું માને છે પરંતુ મામા ઘણા દૂર સુરત રહે છે ” ,માતાએ કહ્યું.

“હા, તો તમે ધ્રુવીનને સુરત મોકલો, ત્યાં વાતાવરણ બદલાશે તેમના મિત્રો બદલાશે અને તે સારા વાતાવરણમા શિક્ષણ મેળવશે. ધ્રુવિન તેની ઉંમરના બાળકો કરતાં ઘણું ઝડપથી દોડે છે ત્યાં સ્પોર્ટ્સ સંકુલમાં તેમને સારી તાલીમ મળશે .”  વાલજી સાહેબે રામબાણ ઇલાજ શોધી કાઢ્યો. 

“પણ સાહેબ, એ માનશે ખરો ? એ જવા તૈયાર નહીં થાય તો? ” માતાએ શંકા વ્યક્ત કરી. 

“બહેન, તમારી હિંમત કરી એને સમજાવો તો પડશે જ આપણે બધા એના ભવિષ્ય માટે જ મહેનત કરીએ છીએ,. અને નવી શાળામાં દાખલાથી લઈ તેમના અભ્યાસને લાગતું સંપૂર્ણ માર્ગદર્શન માટે હું સાથે આવવા તૈયાર છું “. આટલું બોલી વાલજી માસ્તરે જાણે ધ્રુવિનના ગામ નિકાલની સજા પર સહી કરી આપી .

એ રાતે સરપંચના ઘરે ત્રિશંકુ યુદ્ધ જામ્યું. એક તરફ સ્ત્રીહઠ  હતી, જે ધ્રુવિનને સુરત મોકલવા માગતા હતા, બીજી તરફ રાજહઠ હતી કેમ કે સરપંચ પોતાના પુત્રને ગામમાં જ ભણાવવા ઇચ્છતા હતા.અને ધ્રુવિનને આ બધું ષડયંત્ર લાગતું હતું, તેણે મામાના ઘરે જવા માટે સંમતિ દર્શાવી પરંતુ આગળ અભ્યાસ ન કરવાની બળહઠ પકડી. 

આખરે લાંબી ચર્ચા, સુરતમાં મામાને કરેલા ફોન અને ધ્રુવિનની માતાએ તેના ભવિષ્ય માટે કરેલી દલીલોને અંતે ધ્રુવિનનું સરનામું બદલાયું. 

ધ્રુવિનના સરનામા સાથે તેમનું ભવિષ્ય પણ બદલાયું .વાલજી સાહેબ સાથે આવી બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરી. નવી શાળાના આચાર્યને ભલામણ કરી. ત્યારબાદનો લાંબો સમય માસ્તરે ધ્રુવિનની શાળાની મુલાકાત લીધી. જે પ્રતિયોગિતામાં ધ્રુવીન હોય તે જોવા પણ જતાં. લાંબા સમય બાદ ધ્રુવિનની મનોદશા અને પ્રગતિની દિશા ઘણી બદલાઈ ચૂકી હતી .

વખત ને વીતી જતાં કયાં વાર લાગે છે. તાજેતરમાં જ  વાલજી સાહેબ નિવૃત્ત થયા.વાલજી સાહેબનો વિદાય સમારંભ રાખવામા આવ્યો એ દિવસે સાહેબને મળવા ઘણા જૂના વિધાર્થીઓ આવ્યા. એમાં રાષ્ટ્રીયકક્ષાએ દોડમાં ગોલ્ડ મેળવનાર અને ગામનું નામ રોશન કરનાર ધ્રુવિન પણ આવ્યો હતો . ધ્રુવિન જોઇ સાહેબ ખૂબ જ ખુશ થયા. ધ્રુવીન સાહેબને પગે લાગ્યો. સાહેબ તો ધ્રુવિન જોતા જ રહી ગયા. સાહેબ તેની સફળતાથી માહિતગાર હતા જ અને બીજાને તેનો દાખલો આપતા.

 “શું કે સાહેબ ડસ્ટર લઈ આપું, જોઉં તો ખરા નિશાન સુધર્યું કે નહીં તમારા શબ્દવેધી ડસ્ટરનું??

આજુબાજુ ઉભેલા બધા હસ્યા. અને ગુરુ શિષ્ય એકબીજાને ભેટી પડ્યાં .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *